તહેવારો પહેલાં ભેળસેળિયા તત્વોને છૂટો દોર? મીઠાઈ-ફરસાણથી લઈને લારી-હોટેલ સુધી સઘન ચેકિંગની જરૂર, તંત્રની ઢીલી કામગીરી સામે ઉઠ્યા સવાલ
મોરબીમાં સાતમ-આઠમના તહેવારો નજીક આવતાં જ મીઠાઈ, ફરસાણ, નમકીન અને બહારના ખાણીપીણીના ધંધામાં ધમધમાટ શરૂ થયો છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે ફૂડ વિભાગ ક્યારે જાગશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. સુરતમાં તાજેતરમાં રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં એક માસૂમ બાળકીનું મોત થયાની ઘટના બાદ પણ મોરબી તંત્રએ વધુ કડક અને વ્યાપક ચેકિંગ હાથ ધરવાની જરૂરિયાત ઉભી થઈ છે.
તહેવારોના દિવસોમાં મોરબીવાસીઓ મોટી માત્રામાં મીઠાઈ, ફરસાણ અને નમકીનની ખરીદી કરે છે. બીજી તરફ હોટેલ-રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા સહિતના સ્થળોએ પણ ખાણીપીણી માટે ભારે ભીડ જોવા મળે છે. આવા સંજોગોમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને વપરાતા તેલ-મસાલાની ચકાસણી અત્યંત જરૂરી બની જાય છે.
મોરબી શહેરના અનેક વિસ્તારોમાં કોઈ પણ ફૂડ લાઇસન્સ અને મજૂરી વગર ખુલ્લામાં નાસ્તાની લારીઓ ધમધમી રહી છે. ખુલ્લામાં રાખવામાં આવતા ખાદ્યપદાર્થો પર ધૂળ-માટી અને જીવજંતુઓ બેસવાની શક્યતા રહે છે. સાથે જ વાસી તેલ, હલકી ગુણવત્તાના મરી-મસાલા અથવા અયોગ્ય રીતે સંગ્રહિત ખાદ્યપદાર્થોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો પણ સમયાંતરે સામે આવતી રહે છે.
તહેવારો દરમિયાન મીઠાઈ અને ખાસ કરીને માવાની વાનગીઓમાં ભેળસેળની શક્યતા વધી જાય છે. ત્યારે માત્ર કાગળ પર કાર્યવાહી નહીં, પરંતુ મેદાનમાં ઉતરીને ફૂડ વિભાગે શહેરભરમાં ધડાધડ ચેકિંગ કરવાની જરૂર છે.
જો કોઈ વેપારી દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય અથવા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચાતા ઝડપાય તો માત્ર નમૂના લઈ સંતોષ માનવાને બદલે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. અખાદ્ય ખોરાકનો તાત્કાલિક નાશ કરી જવાબદારો સામે દંડ અને કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
સવાલ એ છે કે મોરબીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકોના આરોગ્ય કે જીવ જોખમમાં મુકાય ત્યાર બાદ જ તંત્ર જાગશે કે પછી તહેવારો પહેલાં જ ફૂડ વિભાગ ઊંઘમાંથી જાગીને કડક કાર્યવાહી કરશે?