રાજમાતાના નિધનથી મોરબી શોકમગ્ન, બીજી તરફ જલારામ મંદિરે ભાજપની ટિફિન બેઠક યોજાઈ! જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાની હાજરી અને સોશિયલ મીડિયા પોસ્ટથી ઊઠ્યા સવાલો
મોરબીના રાજવી પરિવારનાં રાજમાતા વિજય કુંવરબા સાહેબનું 97 વર્ષની વયે નિધન થતાં સમગ્ર મોરબીમાં શોકની લાગણી વ્યાપી છે. રાજમાતાના પાર્થિવ દેહને મુંબઈથી ચાર્ટર પ્લેન મારફતે મોરબી લાવવામાં આવ્યો છે. તેમના નિધનના પગલે અનેક કાર્યક્રમો રદ થઈ રહ્યા છે, તો કેટલાક નેતાઓએ પણ પોતાના કાર્યક્રમો મોકૂફ રાખીને રાજવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પરંતુ એક તરફ મોરબી રાજવી પરિવારનાં રાજમાતાના નિધનથી શહેર શોકમગ્ન છે, ત્યારે બીજી તરફ ભાજપના કાર્યક્રમો યથાવત્ રહેતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. મોરબીના જલારામ મંદિર ખાતે ગઈ કાલે સાંજે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આ કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતાં ભાજપના અભિગમ સામે સવાલો ઊઠ્યા છે.
સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે મોરબીના રાજવી પરિવારનાં રાજમાતાના નિધનથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ છે અને અનેક લોકો પોતાના કાર્યક્રમો રદ કરી રહ્યા છે,ત્યારે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજવાનું કેટલું યોગ્ય છે? શું રાજવી પરિવાર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા પક્ષના કાર્યક્રમો મોકૂફ રાખી શકાયા ન હોત?
બીજી તરફ, મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા લોકોને ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી રહી હોય, ત્યારે ભાજપના પોતાના કાર્યક્રમો ચાલુ રહેવા અંગે પણ સવાલો ઊભા થાય છે. જો જનતાને શોક વ્યક્ત કરવા માટે ધંધા બંધ રાખવાની અપીલ કરવામાં આવતી હોય, તો શું ભાજપે પણ પોતાના કાર્યક્રમો મોકૂફ રાખીને સંવેદનશીલતાનો દાખલો બેસાડવો ન જોઈએ?
રાજમાતાના નિધન સમયે શોકની લાગણી વ્યક્ત કરવી અને રાજવી પરિવાર પ્રત્યે સન્માન દર્શાવવું એ સામાજિક સંવેદનશીલતાનો વિષય છે. ત્યારે એક તરફ શોકની અપીલ અને બીજી તરફ ભાજપની ટિફિન બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાં પક્ષના વલણ અંગે ચર્ચા તેજ બની છે.
આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા તરફથી કાર્યક્રમ યથાવત્ રાખવા અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. હવે સવાલ એ છે કે શું ભાજપ આ મુદ્દે ખુલાસો કરશે કે પછી આ સવાલોને અવગણશે?