ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં માતાજીનું મંદિર બનાવવા બાબતે થયેલી બોલાચાલીમાં એક મહિલા પર પાવડા વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઈજાગ્રસ્ત મહિલાએ પોલીસ મથકે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હાલ ટંકારાના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને મૂળ ઓટાળા ગામના વતની રસીલાબેન રમેશભાઈ ભાલોડીયા પોતાના પરિવાર સાથે ઓટાળા ગામે સરકારી જમીનમાં છેલ્લા દસ વર્ષથી સ્થાપિત ખોડિયાર માતાજીનું મંદિર બનાવી રહ્યા હતા. આ દરમિયાન બાજુમાં રહેતા રસીકભાઈ શામજીભાઈ સિણોજીયા અને તેમના પત્ની મુન્નીબેનને મંદિર નિર્માણની કામગીરી પસંદ ન હોવાથી, રસીલાબેન મંદિર પાસે પાણી છાંટતા હતા ત્યારે આરોપીઓએ આવીને આ જગ્યા પર દુકાન બનાવવી છે તેમ કહી વિરોધ કર્યો હતો. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા રસીકભાઈએ પોતાના હાથમાં રહેલા પાવડા વડે રસીલાબેનના કમર તથા સાથળના ભાગે માર માર્યો હતો અને મુન્નીબેને મહિલાના વાળ ખેંચી ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પાડી દીધા હતા.
હુમલા બાદ આરોપીઓએ ‘હવે અહીંયા મંદિર બનાવવા આવીશ તો તને અહીં જ મારી નાખીશું’ તેવી ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ૧૧૨ ની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ ટંકારા અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આરોપી રસીકભાઈ અને તેમના પત્ની વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.