મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ભવિષ્યના વિકાસ માટે નવા ડેવલપમેન્ટ પ્લાન (D.P.) બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને પત્ર લખીને શહેરની મુખ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડી.પી. તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે.
૨૦૨૫-૨૬ની વસ્તીને આધારે આયોજન
નવો ડી.પી. પ્લાન તૈયાર કરતી વખતે ઇ.સ. ૨૦૨૫-૨૬ની હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને ભવિષ્યમાં થનારા વસ્તીવધારા સામે યોગ્ય અને સાચું માળખાકીય આયોજન થઈ શકે.
ગાડા માર્ગોને ૨૪ થી ૩૦ મીટર પહોળા ફોર-ટ્રેક બનાવવાની માંગ
શહેરમાં દિન-પ્રતિદિન વધતી ટ્રાફિકની વિકરાળ સમસ્યાના ઉકેલ માટે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ ગામઠી/ગાડા માર્ગોને ભવિષ્યમાં ૪-માર્ગીય (ફોર-ટ્રેક) બનાવી શકાય તે માટે ૨૪.૦૦ મીટરથી ૩૦.૦૦ મીટર પહોળાઈના રાખવા સૂચન કરાયું છે. આ ઉપરાંત સીટી વિસ્તારના અને અન્ય તમામ મુખ્ય રસ્તાઓને ફોર-ટ્રેક કરવાનું ખાસ આયોજન કરવા જણાવાયું છે.
વરસાદી પાણીના નિકાલ માટે વિશેષ આયોજન
ગુજરાત અને દેશના અન્ય મહાનગરોમાં ભારે વરસાદ વખતે ઊભી થતી જળબંબાકારની ભયંકર સ્થિતિમાંથી પાઠ ભણીને, મોરબીમાં ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે નવા ડી.પી.માં વરસાદી પાણીના નિકાલની યોગ્ય સિસ્ટમ ગોઠવવાનો ખાસ રોડમેપ તૈયાર કરવા ભાર મુકાયો છે.