Homeગુજરાતમોરબીસમયના સીમાડા ઓળંગી 32 વર્ષ પછી ફરી મળ્યા ‘બાળપણના 32 દોસ્તો’

સમયના સીમાડા ઓળંગી 32 વર્ષ પછી ફરી મળ્યા ‘બાળપણના 32 દોસ્તો’

શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોરબીની SSC 1994ની બેચનું મિલન યોજાયું, જૂની યાદો અને મિત્રતાની લાગણીઓથી વાતાવરણ બન્યું ભાવુક

મોરબી: સમય બદલાયો, જીવનની દિશાઓ બદલાઈ અને સૌ મિત્રો પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધી ગયા, પરંતુ બાળપણની મિત્રતાનો તાંતણો 32 વર્ષ બાદ પણ એટલો જ મજબૂત રહ્યો. શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોરબીની SSC 1994ની બેચના 32 મિત્રો લાંબા અંતરાલ બાદ ફરી એકઠા થયા ત્યારે જાણે સમય થંભી ગયો હોય તેવી લાગણી સર્જાઈ હતી.

1994માં ધોરણ-10 પાસ કર્યા બાદ મિત્રો અલગ-અલગ ક્ષેત્રોમાં અને જુદી જુદી કેડીએ આગળ વધ્યા હતા. 32 વર્ષ બાદ જ્યારે સૌ મિત્રો ફરી એક જ સ્થળે મળ્યા ત્યારે એકબીજાને જોવાની આતુરતા, ચહેરા પર સમયની રેખાઓ અને હોઠ પર એ જ જૂની મસ્તી જોવા મળી હતી. કોઈ વેપારી બન્યા, કોઈ શિક્ષક, કોઈ ઉદ્યોગપતિ તો કોઈ સરકારી સેવામાં જોડાયા. સમય સાથે દેખાવમાં પરિવર્તન આવ્યું, કેટલાકના વાળ સફેદ થયા અને ચહેરા પર ઉંમરની નિશાનીઓ દેખાઈ, પરંતુ મિત્રતાની લાગણીમાં કોઈ ફેરફાર થયો નહોતો.

મિત્રોના આ મિલન દરમિયાન શાળાના દિવસોની અનેક યાદો તાજી થઈ હતી. વર્ગખંડની ધમાલ, હોસ્ટેલમાં સાથે રહેવાની મસ્તી, નાસ્તો વહેંચીને ખાવાની મજા, પરીક્ષા સમયે સાથે મળીને કરેલી મહેનત, શિક્ષકોની ડાંટ અને ઠપકો તેમજ વર્ગખંડમાં કરેલી તોફાન-મસ્તીની વાતોએ સૌને ફરી બાળપણમાં પહોંચાડી દીધા હતા.

આ મિલન માત્ર સ્નેહભોજન પૂરતું મર્યાદિત રહ્યું નહોતું, પરંતુ વર્ષો જૂની યાદો અને સંબંધોને ફરી જીવંત કરવાનો અવસર બન્યું હતું. સાથે બેસીને સ્નેહભોજન આરોગતા મિત્રો વચ્ચે એક જ લાગણી જોવા મળી હતી કે સાચી મિત્રતા સમય અને અંતરની મર્યાદાઓથી પર હોય છે.

દોડધામભર્યા જીવનમાં લોકો ભૌતિક સુખ પાછળ દોડી રહ્યા છે ત્યારે 1994ની આ બેચના મિત્રોએ ફરી એકવાર સાબિત કર્યું કે જીવનની સાચી મૂડી માત્ર ધન કે સંપત્તિ નથી, પરંતુ સુખ-દુઃખમાં સાથ આપે અને જરૂરિયાતના સમયે પડખે ઊભા રહે તેવા સાચા મિત્રો છે. 32 વર્ષનો લાંબો અંતરાલ પણ મિત્રતાના સંબંધોને નબળા પાડી શક્યો નહીં, પરંતુ સમય સાથે આ સંબંધો વધુ ગાઢ બન્યા.

મિલન સમારોહના અંતે સૌ મિત્રોએ ફરી મળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ફરી મળશું, હવે બહુ લાંબી રાહ નહીં જોવડાવીએ” એવા ભાવ સાથે મિત્રોએ એકબીજાને વિદાય આપી હતી. દિવસ પૂરો થયો, પરંતુ બાળપણની આ મિત્રતાની યાદો સૌના હૃદયમાં કાયમ માટે તાજી રહી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular