જર્જરિત વીજ પોલ નીચે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે લોકો, PGVCL સામે ઉઠ્યા સવાલો
મોરબીના રવાપર વિસ્તારમાં આવેલ મારુતિ દર્શન એપાર્ટમેન્ટ પાસે ડેમેજ થયેલા વીજ પોલ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી સ્થાનિક રહીશે PGVCLના ચીફ એન્જિનિયરને પત્ર લખી ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે.
મોરબીના રવાપર વિસ્તારમાં શાલીગ્રામ ફીડર હેઠળ આવતા વીજ પોલ (TC પોલ) હાલ ભારે ક્ષતિગ્રસ્ત અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. રવાપર સ્થિત સરદાર સોસાયટી, શેરી નં. ૨ માં આવેલ મારુતિ દર્શન એપાર્ટમેન્ટ અને ગંગા દર્શન એપાર્ટમેન્ટની સામે રહેલા આ વીજ પોલની સ્થિતિ એટલી ખરાબ છે કે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, પોલ તૂટી પડવાની સ્થિતિમાં સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ જવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને મારુતિ દર્શન એપાર્ટમેન્ટના રહીશ રૈયાણી ભાવેશ ઓધવજીભાઈ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) મોરબીના ચીફ એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે જનહિત અને રહાણાંક વિસ્તારની સલામતીને પ્રાથમિકતા આપીને તંત્રને સ્થળ નિરીક્ષણ કરવા અને ડેમેજ થયેલા પોલની જગ્યાએ વહેલી તકે નવા વીજ પોલ ઊભા કરી કામગીરી પૂર્ણ કરવા નમ્ર અપીલ કરી છે.