મોરબીમાં આજે સવારે ફાયર કંટ્રોલ રૂમમાં મળેલા બે અલગ અલગ રેસ્ક્યૂ કોલને પગલે દુઃખદ ઘટનાઓ સામે આવી છે. બંને બનાવોમાં એક યુવાન અને એક વૃદ્ધના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ બનાવ સવારે અંદાજે 09:30 વાગ્યે નોંધાયો હતો. સેરાજ મહમદ (ઉંમર 25), જે બિહારના વૈશાલી જિલ્લાના વતની હતા, ચરડાવા નજીક આવેલી કેનાલમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં મોરબી અને હળવદ ફાયર ટીમ તરત જ સ્થળ પર દોડી આવી હતી. લગભગ 2 કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ ટીમે બોડીને કેનાલમાંથી બહાર કાઢી હતી.
બીજો બનાવ સવારે 10:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો. ભોવનભાઈ માલાભાઈ રાઠોડ (ઉંમર 65), ઘુંટુ તળાવની પાસે આવેલા એક કુવામાં પડી ગયા હતા. મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને અંતે તેમની બોડી કુવામાંથી બહાર કાઢી હતી.