મોરબી શહેરના વીસીપરા અમરેલી રોડ પર આવેલા દશામાના મંદિર પાસેના વાડી વિસ્તારમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક બંધ ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે
મળતી માહિતી મુજબ પોલીસે રૂમનો દરવાજો ખોલીને તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ ૧૫૮૫ નંગ માલ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. ૨,૮૮,૨૫૩/- થાય છે.
આ દરોડા દરમિયાન મકાને હાજર મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ઓરડી તેમના પુત્રો રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને કિરીટ બાબુભાઈ અગેચાણીયાના કબ્જા હેઠળની છે અને બંને ભાઈઓ તેમાં ભંગારનો સામાન રાખવાના બહાને દારૂનો જથ્થો સંતાડી રાખતા હતા.
પોલીસે બિનઅધિકૃત રીતે દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરવા અંગે બંને ભાઈઓ રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને કિરીટ બાબુભાઈ અગેચાણીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. દરોડા સમયે બંને આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી પોલીસે તેમને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.