વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે જૂની બોલાચાલીનું મનદુઃખ રાખીને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સશસ્ત્ર હિંસક અથડામણ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા અને વેપાર કરતા ૩૨ વર્ષીય સાગરભાઈ મોમભાઈ ડાભી, તેમના પિતા મોમભાઈ ભીમાભાઈ ડાભી તથા નાના ભાઈ જયંતીભાઈ ગામના પાદરમાં આવેલી પોતાની ‘મોમાઈ ટ્રેડીંગ’ નામની કપાસીયા અને બોજાદાનની દુકાને બેઠા હતા. આ દરમિયાન બે દિવસ પહેલાં ગલીમાં બોલાચાલી થવાના કારણની અદાવત રાખીને ગામના જ ગોપાલ લખમણ સરૈયા, નારણ લખમણ સરૈયા, કેશુર લીલા સરૈયા, મહીપાલ નારણ સરૈયા, મહેશ નારણ સરૈયા, રણછોડ લીલા સરૈયા, ભૂપત લખમણ સરૈયા, પારસ લખમણ સરૈયા અને રતા સરૈયા નામના દશ શખ્સો ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઈપ, ધોકા અને લાકડીઓ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
દુકાને આવીને આરોપી ગોપાલ લખમણ સરૈયા અને અન્ય શખ્સોએ “તમે બહુ પાવર કરો છો, બહાર નીકળો” કહી ગાળો આપી અચાનક હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં ગોપાલ સરૈયા અને તેના સાગરીતોએ ફરિયાદી સાગરભાઈ ડાભી, તેમના પિતા મોમભાઈ ડાભી અને ભાઈ જયંતીભાઈના માથા તથા શરીરના ભાગે પાઈપ અને લાકડીઓના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત આરોપીઓએ સ્થળ પર પડેલી બોલેરો પીકઅપ ગાડી (નંબર GJ-36-V-3360) માં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
ઝઘડાનો અવાજ સાંભળીને વચ્ચે પડી બચાવવા ગયેલા ગ્રામજનો ભરતભાઈ પેલાભાઈ ગરીયા, ચંદુભાઈ મેઘાભાઈ ફાંગલીયા અને કુંવરજીભાઈ નવઘણભાઈ ફાંગલીયાને પણ આરોપીઓએ માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને વાંકાનેર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં મોમભાઈ ડાભી અને જયંતીભાઈ ડાભીને માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે મોરબી તથા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે સાગરભાઈ ડાભીની ફરિયાદના આધારે પોલીસે ગોપાલ સરેશા સહિત તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.