ટંકારા : જંતુનાશક દવાનો વેપાર કરતા એક વેપારી શેર બજારમાં રોકાણના નામે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે, જેમાં ઠગ ટોળકીએ વ્હોટ્સએપ ગ્રુપ અને બનાવટી એપ્લિકેશન દ્વારા વધુ પ્રોફિટ બતાવી તેમની પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા પડાવી લીધા છે.
મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા અને ટંકારા તાલુકામાં જંતુનાશક દવાનું કારખાનું ચલાવતા મ વેપારી વિજ્ઞેશભાઈ હસમૂખભાઈ પરમાર સાથે આ વિશ્વાસઘાત થયો છે. ફેબ્રુઆરી 2025માં અજાણ્યા નંબર પરથી તેમને “VIP 2 Investment Alliance Training Group A” નામના વ્હોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેર બજાર અંગેની માહિતી અને ટીપ્સ શેર કરવામાં આવતી હતી. ત્યારબાદ ઠગ ટોળકીએ તેમને “GALAD ARAB” નામની એક બનાવટી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં રોકાણ કરી મોટા નફાની લાલચ આપી હતી.
શરૂઆતમાં ઓછું રોકાણ કરાવ્યા બાદ આ એપ્લિકેશનમાં ટૂંક સમયમાં મોટો પ્રોફિટ થતો દર્શાવવામાં આવ્યો હતો. આ નફો જોઈને વેપારીને વધુ વળતરની લાલચ આપીને અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. વેપારીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી કુલ 21 જેટલા ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 84,80,000 (ચોર્યાસી લાખ એંસી હજાર) રકમ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવી દીધી હતી.
ત્યારબાદ જ્યારે રોકાણ કરેલી મુડી અને નફાની રકમ પરત માંગવામાં આવી, ત્યારે એપ્લિકેશન બંધ કરી દેવામાં આવી હતી અને કોઈ જ નાણાં પરત મળ્યા ન હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો એહસાસ થતાં જ વેપારીએ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વ્હોટ્સએપ નંબરના ધારકો, ફેક એપ્લિકેશનના સર્જકો તેમજ સંકળાયેલા તમામ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.