વાંકાનેર તાલુકા પોલીસ મથકના એક કરોડથી વધુના દારૂ-ટ્રક સહિતના મુદામાલ સાથે નોંધાયેલા પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા જામનગરના ત્રણ આરોપીઓને વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે જામનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત માર્ચ ૨૦૨૬માં વાંકાનેર-રાજકોટ હાઇવે પર સુગર એન્ડ સ્પાઇસ હોટલ સામેથી એક કરોડથી વધુના વિદેશી દારૂ/બિયરનો જથ્થો ભરેલ બંધ બોડીની ટ્રક રજીસ્ટર નંબર RJ-14-GP-4506 સાથે કુલ રૂ. ૨,૧૮,૫૫,૫૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુન્હામાં આરોપીઓએ બોગસ ઇ-વે બિલ અને બિલ બનાવી રાજ્ય બહારથી દારૂનો જથ્થો ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. બનાવ બાદ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતા ફરતા હતા, જેથી વાંકાનેર કોર્ટમાંથી બી.એન.એમ.એસ. કલમ-૭૨ મુજબ વોરંટ મેળવવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.ઇન્સ. પી.આર. સોલંકી તથા પો.સબ.ઇન્સ. કે.એચ. ભોચીયાની ટીમે બાતમી મેળવી જામનગરથી આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.