કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ; વિવિધ વિભાગોને આયોજન અંગે જરૂરી સૂચનાઓ અપાઈ
આગામી 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે નવલખી રોડ પર મેલડી માતાના મંદિર સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉજવણીના સુચારુ અને ભવ્ય આયોજનને લઈને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રાઉન્ડની તૈયારીઓ, સ્ટેજ અને મંડપ, મહેમાનો તથા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, રોશની અને સુશોભન, વૃક્ષારોપણ, સ્વચ્છતા તેમજ મેડિકલ ટીમની તૈનાતી સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.