ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ રાજકીય માહોલ ગરમાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના પૂર્વ નેતા દિનેશભાઇ બાંભણીયાએ સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ અરજી દાખલ કરીને ચૂંટણી પ્રક્રિયા પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે.
અરજીમાં મુખ્ય આક્ષેપ એ છે કે રાજ્યમાં હાલ અમલમાં રહેલી અનામત નીતિ, ખાસ કરીને OBC બેઠકોના ફાળવણીમાં પારદર્શિતા અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. બાંભણિયાના મત મુજબ, રોસ્ટર સિસ્ટમમાં ખામી હોવાને કારણે કેટલાક વર્ગો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ અરજી પર આવતીકાલે સુનાવણી થવાની શક્યતા છે, જેને લઈને રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ચિંતા વધી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 26 એપ્રિલ 2026 ના રોજ મતદાન યોજાવાનું છે.
જો સુપ્રીમ કોર્ટ આ અરજી સ્વીકારે અને ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે (રોક) આપે, તો સમગ્ર રાજ્યમાં ચૂંટણીનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. અગાઉ પણ અનામતના મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અનેક રજૂઆતો થઈ ચૂકી છે, તેથી આ સુનાવણી પર સૌની નજર ટકેલી છે. આ બાબતે કોર્ટનો અંતિમ નિર્ણય શું આવે છે તેના પર ચૂંટણીનું ભવિષ્ય નિર્ભર રહેશે.