મોરબી શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીમાં રહેતા અને કુરિયર બોય તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી પાસે સમજુબા સ્કૂલ વાળી ગલી ધર્મનગર સોસાયટી બ્લોક નંબર -24 માં રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી (ઉ.વ.૨૭) એ આરોપી જયાબેન ખિમજીભાઈ મોરડીયા રહે. નજરબાગ મફતીયાપરા ભડીયાદ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી ૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ જેની સામે ફરીયાદીએ અલગ અલગ તારીખે રોકડથી, ૪૦,૦૦૦/- વ્યાજ ચુકવી આપેલ તેમજ મુળ રકમ ગુગલ પે થી ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી જયાબેન વ્યાજ તથા મુળ રકમની ઉઘરાણી કરતા હોય અને ફરીયાદી વ્યાજ ન આપે તો ફરીયાદીની ભાડાની દુકાન ખાતે જઈ ફરીયાદીની પત્ની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોય જેથી ફરીયાદી કંટાળી જઈ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ભાનમાં આવતા આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.