મોરબી: શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા ભક્તોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસનો રૂટ હવે ભીમનાથ મહાદેવ મંદિર સુધી લંબાવવામાં આવ્યો છે. કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયાની રજૂઆતને પગલે ભક્તોને ભીમનાથ મહાદેવના દર્શન માટે સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે.
હવે મોરબીથી સિટી બસ સીધી ભીમનાથ મહાદેવ સુધી જશે. મોરબીથી બસ ઉપડવાનો સમય સવારે 7:30/8:00, 10:00 અને 12:00 વાગ્યે રાખવામાં આવ્યો છે. જ્યારે ભીમનાથ મહાદેવથી પરત ફરવાના સમય સવારે 9:00, 11:00 અને 12:00 વાગ્યે રહેશે.
શ્રાવણ માસ દરમિયાન ભીમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે ત્યારે સિટી બસનો રૂટ લંબાવાતા ખાસ કરીને વડીલો અને પરિવાર સાથે દર્શન કરવા જતા ભક્તોને મોટી રાહત મળશે. કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયાની રજૂઆતના પગલે શરૂ કરાયેલી આ સેવા શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે ઉપયોગી સાબિત થશે.