Homeગુજરાતમોરબીનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા અને પ્રકૃતિપ્રેમનો અનોખો સંગમ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા અને પ્રકૃતિપ્રેમનો અનોખો સંગમ

રમતગમતમાં સિદ્ધિથી લઈ વૃક્ષોને રાખડી અને સ્ટાફ સેમિનાર સુધી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શિક્ષણની સાથે રમતગમત, માનવતા, ભારતીય સંસ્કાર, સર્જનાત્મકતા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનું ઘડતર થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ વિદ્યાલયની પ્રતિભાશાળી વિદ્યાર્થિની અદિતિબા જાડેજાએ જિલ્લા કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

રક્ષાબંધન પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલયના ધોરણ 7 અને 8ની વિદ્યાર્થિનીઓ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે લાગણીસભર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ ત્યાં આશ્રય લઈ રહેલા વડીલો અને જરૂરિયાતમંદ ભાઈઓને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં માનવતા અને સામાજિક સંવેદનાના સંસ્કાર કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નવયુગ સંકુલ ખાતે ‘પ્રકૃતિ રક્ષાબંધન’ની અનોખી ઉજવણી પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધી તેમના જતન અને સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી તૈયાર કરવામાં આવેલી 100 ફૂટ લાંબી વિશાળ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિશાળ રાખડી દ્વારા એકતા, પ્રેમ, ભાઈચારો અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

નવયુગ કોલેજના B.Sc. વિભાગ દ્વારા રક્ષાબંધનને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી ‘Seed Embedded Rakhi Making Competition’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગોબર, માટી અને અન્ય કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી વિવિધ બીજ ધરાવતી રાખડીઓ તૈયાર કરી હતી. જમીનમાં મૂક્યા બાદ આ રાખડીમાંથી છોડ ઉગી શકે તેવા વિચાર સાથે વિદ્યાર્થીઓએ ‘રાખડી દ્વારા પ્રકૃતિનું રક્ષણ’નો સંદેશ આપ્યો હતો.

આ ઉપરાંત નવયુગ સંકુલ ખાતે સ્ટાફ માટે વિશેષ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા તથા સૂચિતભાઈ પ્રજાપતિ દ્વારા શિક્ષકની બદલાતી ભૂમિકા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિસ્ત, સંસ્કાર, નવીન શૈક્ષણિક અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નહીં પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વ અને ભવિષ્યનો ઘડતરકાર છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક રીતે ગુણવાન નહીં, પરંતુ પ્રતિભાશાળી, સંસ્કારવાન, સમાજ પ્રત્યે સંવેદનશીલ અને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર નાગરિક બનાવવાનો છે. શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રાખી રમતગમત, માનવતા, પ્રકૃતિપ્રેમ અને સર્જનાત્મકતા સાથે જોડવાના નવયુગના પ્રયાસોની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular