મોરબી: મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિન્દુ સમાજ સહિત વિવિધ સમાજના નાગરિકોમાં જાહેર જગ્યાઓ તથા રહેણાંક વિસ્તારમાં ચાલતી નોનવેજની લારીઓ અને કતલખાનાઓ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ સમગ્ર મુદ્દે સમાજના અલગ-અલગ વર્ગના નાગરિકો દ્વારા એકસૂરમાં માંગ કરવામાં આવી છે કે રહેણાંક વિસ્તાર, જાહેર માર્ગો તથા ધાર્મિક સ્થળોની આસપાસ આવી પ્રવૃત્તિઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે.
આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય અને કાયમી નિરાકરણ આવ્યું નથી. તેથી હવે શક્તિ ચોક વિસ્તારમાં વસવાટ કરતા વિવિધ સમાજના નાગરિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
નાગરિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તાર અને જાહેર જગ્યાઓ પર કોઈપણ પ્રકારની એવી પ્રવૃત્તિને મંજૂરી કે લાઇસન્સ ન આપવામાં આવે, જેના કારણે અલગ-અલગ સમાજ વચ્ચે ગેરસમજ, તણાવ અથવા ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થાય. સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે સૌની જવાબદારી છે.
શક્તિ ચોક વિસ્તારમાં હાલ કેટલીક દુકાનો બંધ છે, જ્યારે કેટલીક જગ્યાએ આવી પ્રવૃત્તિઓ છૂપી રીતે અથવા અનિયમિત રીતે ચાલુ હોવાની નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરાવી, જરૂરી લાઇસન્સ, પરમિશન તથા અન્ય કાયદેસર મંજૂરીઓની ચકાસણી કરવામાં આવે અને નિયમવિરુદ્ધ જણાય તેવી તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ છે.
તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ લાગુ પડતા સરકારી નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા પણ માંગ કરવામાં આવી છે. કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ પ્રતિબંધિત અથવા નિયમવિરુદ્ધ પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
નાગરિકોની મુખ્ય માંગ છે કે જો કોઈ સ્થળ નિયમો મુજબ યોગ્ય ન હોય તો આવી પ્રવૃત્તિઓને રહેણાંક અને ધાર્મિક વિસ્તારોમાંથી દૂર કરી, નિયમો મુજબ યોગ્ય અન્ય સ્થળે ખસેડવા અંગે વહીવટી કાર્યવાહી કરવામાં આવે.
શક્તિ ચોકમાં વસવાટ કરતા વિવિધ સમાજના નાગરિકો દ્વારા મોરબી મહાનગરપાલિકાને નમ્ર પરંતુ સ્પષ્ટ રજૂઆત કરવામાં આવે છે કે આ મુદ્દે હવે વિલંબ કર્યા વિના સ્થળ તપાસ, લાઇસન્સ-પરમિશનની ચકાસણી અને નિયમવિરુદ્ધ પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો લોકશાહી અને કાયદેસરની રીતથી વિરોધ કાર્યક્રમો કરવાની ફરજ પડી શકે છે. જોકે નાગરિકોનો મુખ્ય હેતુ કોઈપણ સમાજ સાથે ઘર્ષણ ઊભું કરવાનો નથી, પરંતુ શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા તથા સૌના ધાર્મિક અને સામાજિક હિતોનું રક્ષણ થાય તે માટે યોગ્ય વહીવટી કાર્યવાહી થાય તેવો છે.
શક્તિ ચોક વિસ્તારના વિવિધ સમાજના નાગરિકોની એકસૂરમાં માંગ:
“રહેણાંક વિસ્તાર અને ધાર્મિક સ્થળોની આસપાસ નિયમવિરુદ્ધ ચાલતી નોનવેજ લારીઓ તથા કતલખાનાઓની તાત્કાલિક તપાસ કરી, નિયમવિરુદ્ધ હોય તો સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.”