મોરબી જિલ્લામાં બિનઅધિકૃત ખનન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર તાલુકાના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતીના આધારે વિભાગની તપાસ ટીમે તા. 18 ઓગસ્ટના રોજ આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના હેઠળ કરવામાં આવેલી સ્થળ તપાસ દરમિયાન ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન મળી આવ્યું હતું. તપાસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આશરે રૂ.40 લાખની કિંમતનું એક્ષકેવેટર મશીન સીઝ કરી લીધું હતું.
તપાસ દરમિયાન સીઝ કરવામાં આવેલા એક્ષકેવેટર મશીનના માલિક તરીકે કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડીયા, રહે. ખેતરડી, તા. હળવદ, જી. મોરબીનું નામ સામે આવ્યું છે.
બિનઅધિકૃત રીતે ફાયરકલે ખનિજનું ખનન કરવામાં આવતું હોવાનું સામે આવતા સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે.
આ મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોરબી જિલ્લામાં ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા નિયમિત તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાંકાનેરની આ કાર્યવાહીને કારણે ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.