Homeગુજરાતમોરબીપંચાયત અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી

પંચાયત અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી

રાજ્ય સરકારે બંને કેડરનો જોબ ચાર્ટ જાહેર કર્યો, ગ્રામ્ય કક્ષાએ વહીવટી પારદર્શિતા વધશે : ઋષિકેશ પટેલ

ગુજરાત સરકાર દ્વારા પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરી તથા જવાબદારીની સ્પષ્ટ વહેંચણી સાથે જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંગે પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે બંને કેડરની કામગીરી સ્પષ્ટ કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે પ્રજાલક્ષી 290 જેટલી કામગીરીને વિષયવાર વહેંચી બંને તલાટીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે.

પંચાયત તલાટી-કમ-મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત, ગ્રામ વિકાસ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ, પ્રમાણપત્રો, ગ્રામતળ-ગૌચર તથા પંચાયત હસ્તકની જમીન, જાહેર મિલકતો, સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામસભા અને વિવિધ સમિતિઓની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા અને પાણી પુરવઠા સહિતની કામગીરી પણ પંચાયત તલાટી-કમ-મંત્રીને સોંપવામાં આવી છે. બીજી તરફ મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલ તથા જમીન સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમીનના રેકર્ડ અને હકો, સરકારી જમીન, જમીન મહેસૂલની વસૂલાત, દબાણ, જમીન સંપાદન, પાક કાપણી પ્રયોગો, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમો અને કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ સહિતની કામગીરી મહેસૂલી તલાટી કરશે. બંને કેડરની કામગીરી અલગ કરવામાં આવી હોવા છતાં જરૂરિયાત મુજબ પરસ્પર સંકલનની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

ખાસ કરીને કુદરતી આપત્તિ અને કૃષિ રાહત પેકેજ જેવી કામગીરીમાં બંને કેડર સંકલનથી કામગીરી કરશે. સરકારના આ નિર્ણયથી પંચાયતલક્ષી અને મહેસૂલી કામગીરીમાં જવાબદારી વધુ સ્પષ્ટ બનશે તેમજ ગ્રામ્ય કક્ષાએ વહીવટ વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનવાની સાથે નાગરિકોને પણ કામગીરી માટે યોગ્ય કચેરી અને જવાબદાર અધિકારી સુધી પહોંચવામાં સરળતા રહેશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular