શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયા: ગુરુના સન્માન સાથે શિક્ષકની સામાજિક ભૂમિકા પર ભાર
ટંકારા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા દેવજીભાઈ પડસુંબિયાએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ હોવાનું જણાવી શિક્ષકની રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યોનું સિંચન કરી રાષ્ટ્રના ઘડવૈયા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બદલાતા શૈક્ષણિક પડકારોને સ્વીકારી સમાજને સજાગ અને સંસ્કારી પેઢી આપવાનો સંકલ્પ શિક્ષકોએ કરવો જરૂરી છે.
શિક્ષકનું સામાજિક ગૌરવ વધે, શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય અને સમાજમાં શિક્ષક પ્રત્યે આદરભાવ વધે તેવા રચનાત્મક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. ગુરુવંદન કાર્યક્રમ પણ આ જ હેતુનો એક ભાગ હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓ, સમાજલક્ષી અભિયાનો અને શિક્ષક હિતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. સંગઠન શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્રહિતના ત્રિવેણી ધ્યેય સાથે સતત કાર્યરત હોવાનું જણાવાયું હતું.
અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ માવજીભાઈ દલસાણીયા અને રાજેશભાઈ ગાંભવાએ પણ શિક્ષકના મહત્વ તથા ગુરુના ગૌરવ વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુવંદના, શિક્ષક ગૌરવ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક મહાસંઘની સમગ્ર તાલુકા ટીમે ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.