મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલ કે.ડા. સિરામિકમાં મજૂરી કામ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં એક ૨૩ વર્ષીય યુવાનનું કરૂણ મોત નિપજ્યું છે. બનાવ અંગે સરકારી હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે આકસ્મિક મૃત્યુ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના લાલપર ગામે રહેતો આરીફઅલી આલમગીર (ઉ.વ.૨૩) પાનેલી ગામની સીમમાં સ્થિત ‘કે.ડા. સિરામિક’ કારખાનામાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન કોઈ કારણોસર અચાનક દીવાલ ધસી પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડો. એમ.ડી. પરમારે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે સરકારી હોસ્પિટલમાંથી ટેલિફોનિક માહિતી મળતા જ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ.એ અકસ્માતે મોત (બી.એન.એસ.એસ. કલમ ૧૯૪) મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.