મોરબી: પુષ્પ નક્ષત્ર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી તા. 11 ઓગસ્ટ 2026, મંગળવારના રોજ સાંજે 4:00થી 7:30 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે.
આ વખતે બાળકોની શાળાના સમયને ધ્યાનમાં રાખીને કેમ્પના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૦થી ૧૫ વર્ષ સુધીના નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાંનો લાભ અપાવવા માટે મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના બાળકો સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.
કેમ્પનું આયોજન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ, મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.
આ પ્રકારના સુવર્ણપ્રાશન કેમ્પ મોરબી સહિત વિવિધ સ્થળોએ યોજાતા હોય છે, ત્યારે મોરબીમાં યોજાતા આ કેમ્પમાં દર વખતે અંદાજે 150 જેટલા બાળકો લાભ લેતા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. મીડિયા દ્વારા આ અંગે વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચતા મોટી સંખ્યામાં બાળકો કેમ્પનો લાભ લે છે.