હળવદ: હળવદ તાલુકાના ભલગામડા ગામે મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ભલગામડા ગામે રહેતા અને ખેતીકામ કરતા સિંધાભાઈ દેવજીભાઈ દેત્રોજા (ઉ.વ.૬૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે રાત્રીના કોઇપણ સમયે ફરીયાદીના મકાનના રૂમમાં કોઇપણ રીતે પ્રવેશ કરી તેમાં રાખેલ લાકડાની તીજોરીનો દરવાજો કોઇપણ રીતે ખોલી તીજોરીમાં રાખેલ સોનાના દાગીનાઓ જેમાં સોનાનો હાર નંગ-૧, હાથમાં પહેરવાનુ લોકીટ નંગ-૧,ઓમ નંગ-૩ તથા વીંટી નંગ-૧ મળી જેનુ કુલ વજન આશરે ચારેક તોલા જેટલુ જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા ચાંદીના દાગીના જેમાં પગમાં પહેરવાની ઝાંઝરી એક જોડી, સાંકળા એક જોડી, કેડમાં પહેરવાનો જુડો-કંદોરો નંગ-૧ તથા નાના છોકરાની પગમાં પહેરવાના નાના સાંકળા તથા કડલીઓ જોડી નંગ ૭ મળી જે ચાંદીના દાગીનાઓ જેનુ આશરે વજન ૫૦૦ ગ્રામ જેટલુ જેની કિ.રૂ ૫૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૫૦,૦૦૦/- જેટલાના મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.