સજનપર નજીક ઓમ વિલામાં હાઈ-પ્રોફાઇલ જુગારધામ પર રેડ બાદ કાર્યવાહી; ડિસ્ટાફ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને પશ્ચિમ કચ્છ, ભુજ મુકાયા
કચ્છ રેન્જ પોલીસ દ્વારા તાજેતરમાં સજનપર નજીક આવેલી ઓમ વિલામાં ચાલતા હાઈ-પ્રોફાઇલ જુગારધામ પર કરવામાં આવેલી રેડની અસર હવે પોલીસ વિભાગમાં પણ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફ હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા ની પશ્ચિમ કચ્છ, ભુજ ખાતે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પોલીસ કર્મચારીઓને ગઈકાલે સોમવારે રાત્રે અંદાજે 9 વાગ્યે ટંકારા પોલીસ સ્ટેશનમાંથી રિલીવ (છૂટા) કરવામાં આવ્યા હતા, જેથી તેઓ નવી જગ્યાએ હાજર થઈ શકે.
જોકે, બંને કર્મચારીઓની બદલી અંગે પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં, સજનપર નજીક ઓમ વિલામાં કચ્છ રેન્જ દ્વારા કરવામાં આવેલી હાઈ-પ્રોફાઇલ જુગારધામ પરની રેડ બાદ આ બદલીને મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. પોલીસ વર્તુળોમાં આ મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.