માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાંટિલા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રહેવાસી ગેલાભાઈ નોંધાભાઈ હડગરા (ઉં.વ. ૪૨) ઢોર ચરાવવા માટે નીકળ્યા હતા, તે દરમિયાન પાણીના જોરદાર વહેણમાં તણાઈ જવાથી તેમનું અકાળે અવસાન થયું છે.
ઢોર ચરાવતી વખતે સર્જાયો અકસ્માત:
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ગેલાભાઈ ડેરીયારિના નાલા પાસે નવા ઘાંટિલા જવાના રસ્તે પોતાના ઢોર ચરાવી રહ્યા હતા. સાંજના આશરે ૦૫:૪૫ કલાકના સુમારે અચાનક પાણીના ભારે વહેણમાં તેઓ તણાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ પોતાનો બચાવ કરી શક્યા ન હતા અને ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતદેહને પીએમ અર્થે પીએચસી ખસેડાયો:
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક તરવૈયાઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. ભારે જહમત બાદ તેમનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે માળિયા (મિયાણા) ખાતે આવેલ CHC (સમુહ આરોગ્ય કેન્દ્ર) ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ ઘટના અંગે તાલુકા પંચાયત કચેરી – માળિયા (મી.) દ્વારા મોરબી કલેક્ટરને પ્રાથમિક અહેવાલ સુપ્રત કરીને જરૂરી કાનૂની અને સરકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.