મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ સિંચાઈ યોજના (ડેમ)માંથી પાણી છોડવા માટે તંત્ર દ્વારા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમમાંથી હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે પાણી છોડવાની રજૂઆતને મંજૂરી મળ્યા બાદ, તારીખ ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ડેમનો ૧ ગેટ ૧ ફૂટ ખોલીને ૪૯૯ ક્યુસેક પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવશે. હાલ જળાશયમાં સૌની યોજના મારફતે ૧૬૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમનું હાલનું લેવલ ૪૪.૬૫ મીટર તથા ગ્રોસ જથ્થો ૨૬૧.૨૫ MCFT નોંધાયો છે.
પાણી છોડવાના નિર્ણયને પગલે ડેમના હેઠવાસમાં આવતા મોરબી, ટંકારા અને જામનગરના જોડિયા તાલુકાના ૧૨થી વધુ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સતર્ક રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જેમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર; મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર, બેલા; તથા જોડિયા તાલુકાના માવનું ગામ નો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને સલામત રહેવા અને નદીકાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે.