ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ અને આવાસ યોજના સુધીનો એક સાઈડનો રોડ અધૂરો, સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી.
મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ અને આવાસ યોજના સુધીના રોડનું કામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શરૂ કરાયું હતું, પરંતુ બાદમાં કામ અધૂરું મૂકાતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રહિશોએ તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેયર પદના પ્રખર દાવેદારના વોર્ડમાં જ આ રીતની ઢંગધડા વિનાની કામગીરી અંગે પણ સ્થાનિકોમાં અનેકો સવાલ ઉઠ્યા છે.
મોરબી શહેરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તેમજ આવાસ યોજના સુધીના એક સાઈડના રોડનું કામ લાંબા સમયથી અધૂરું પડ્યું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોડ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે લોકોને આશા જાગી હતી કે ટૂંક સમયમાં રોડ તૈયાર થઈ જશે. પરંતુ ચૂંટણી નજીક આવતા જ રોડનું કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. હાલમાં રોડની ખરાબ હાલતને કારણે મસાલની વાડી, પાનેલીની વાડી, રાતડીયાની વાડી, કપુરીની વાડી, શિયાળની વાડી , ગોકુળ નગર, સરદાર નગર-૩, ઉમા રેસીડેન્સી-૨, ધર્મ ધરતી સોસાયટીના સ્થાનિક રહિશો, વાહનચાલકો તેમજ રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળ, કપચી અને ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિક રહિશોનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા કામ શરૂ કરીને વિકાસના નામે માત્ર દેખાવ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કામ ફરી શરૂ ન થતા હવે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક સોસાયટીના રહિશોએ તંત્ર સમક્ષ ચોમાસા પહેલા તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો ઝડપથી કામગીરી શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.