મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હળવદમાં વધુ એક વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૫ ટકાના વ્યાજે લીધેલા રૂપિયા પર ૭ ટકા વ્યાજ વસૂલવા માટે મજૂરી કામ કરતા યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગરમાં રહેતા દીપકભાઈ મનજીભાઈ સોનગરા સોનગ્રા (ઈ.વ.૩૨) એ ગીતાબેન સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા ,સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા રહે.બંન્ને મોરબી કાલીકા પ્લોટમા, આયનભાઈ સાહમદાર રહે.મોરબી મકરાણી વાસ, હસન હાજીભાઈ કુરેશી રહે. કાલીકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ગીતાબેન તથા આરોપી સાહીલભાઈ પાસેથી ૦૫ ટકા ઉંચા વ્યાજે કટકે કટકે કુલ રૂપીયા.૩,૦૦,૦૦૦/- લીધેલ હતા અને ફરીયાદીએ આરોપીઓને નીયમીત વ્યાજ ચુકવવા છતા આરોપીઓએ ૦૭ ટકા વ્યાજ વસુલવાનું કહી ફરીયાદી તથા સાથીને ફોનથી તથા રૂબરૂમા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વ્યાજના રૂ.૪૪,૦૦૦/- કઢાવી લઈ તેમજ વધુ વ્યાજ તથા મુદલ માટે આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈ ઘરમા પ્રવેશ કરી સાથીઓને વ્યાજની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીવાર આરોપીઓ ફરીયાદીના ઘર પાસે જઈ આરોપીઓએ હાથમા છરી ધારણ કરી તમામ આરોપીઓએ ફરીયાદીને વ્યાજ તથા રૂપીયાની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.