રૂ.3.50 લાખનું વ્યાજ ચૂકવવા છતાં કાર પરત ન આપી પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી પગલું ભર્યાનો આક્ષેપ
મોરબી: મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાને વ્યાજખોરોના કથિત ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. સમગ્ર મામલે મૃતકની પત્નીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી મયુરભાઈ ડોડિયાના કહેવાથી યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ પાસેથી રૂ.3.50 લાખ વ્યાજે લીધા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ અમૃતસિંહે લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં આરોપીઓએ એકબીજાની મદદગારીથી તેમની ફોરવ્હીલ કાર નંબર GJ-36-AR-8000 પોતાની પાસે રાખી હતી.
અમૃતસિંહે કાર પરત માંગતા આરોપીઓ દ્વારા વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો તેમજ અવારનવાર ફોન કરી હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કથિત ત્રાસ અને ઉઘરાણીથી કંટાળીને અમૃતસિંહે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મૃતકની પત્નીની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મયુરભાઈ ડોડિયા, રહે. ચરાડવા, તા. હળવદ તથા યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ, રહે. કોંઢ, જી. સુરેન્દ્રનગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.