Homeગુજરાતમોરબીમેળો પૂરો થયો, કચરાનો ઢગલો રહ્યો! જડેશ્વર મહાદેવ ગ્રાઉન્ડમાંથી પ્લાસ્ટિકની 57 મોટી...

મેળો પૂરો થયો, કચરાનો ઢગલો રહ્યો! જડેશ્વર મહાદેવ ગ્રાઉન્ડમાંથી પ્લાસ્ટિકની 57 મોટી બેગ એકઠી

તંત્ર અને મેળા આયોજકોના સહકાર વિના યુવાનોનું મહા સફાઈ અભિયાન, આગામી લોકમેળાઓમાં ડસ્ટબિનની ફરજિયાત વ્યવસ્થાની અપીલ

મોરબી/વાંકાનેર: શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા ભવ્ય મેળા બાદ ગ્રાઉન્ડમાં ફેલાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા રવિવારે મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવ જાનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં યુવાનો અને સ્વયંસેવકોએ ભારે મહેનત કરી મેદાનમાંથી 18×36 સાઈઝની કુલ 57 મોટી બેગ જેટલો પ્લાસ્ટિક સહિતનો કચરો એકઠો કર્યો હતો.

મેળા બાદ મેદાનમાં ઉડી ગયેલો તેમજ માટીમાં દબાઈ ગયેલો પ્લાસ્ટિક કચરો એકઠો કરવો મુશ્કેલ હોવા છતાં સ્વયંસેવકોએ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને મહાદેવ પ્રત્યેની આસ્થાથી પ્રેરાઈને કોઈપણ સરકારી કે વહીવટી સહાય વિના સફાઈ કામગીરી પૂર્ણ કરી હતી. સંસ્થાના જણાવ્યા મુજબ આટલા મોટા પાયે સફાઈ કામગીરી છતાં સ્થાનિક તંત્ર કે મેળાના આયોજકો તરફથી સ્વયંસેવકોને જરૂરી પ્રાથમિક સુવિધા કે સહકાર મળ્યો ન હતો. તેમ છતાં યુવાનોના અદમ્ય ઉત્સાહથી સમગ્ર અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

સફાઈ દરમિયાન એક સકારાત્મક બાબત પણ જોવા મળી હતી કે લોકોની કચરા અંગેની માનસિકતામાં સુધારો થઈ રહ્યો છે. લોકો કચરો ફેંકતા પહેલા ડસ્ટબિન શોધતા થયા છે અને ડસ્ટબિન ઉપલબ્ધ હોય તો તેમાં જ કચરો નાખતા હોવાનો અનુભવ સ્વયંસેવકોએ વ્યક્ત કર્યો હતો. જોકે, મેળા દરમિયાન પૂરતી સંખ્યામાં ડસ્ટબિનની વ્યવસ્થા ન હોવાથી કચરો મેદાનમાં ફેલાઈ જતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મેળો પૂર્ણ થયા બાદ કલાકો સુધી કચરો વીણવાની સ્થિતિ સર્જાય છે.

આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના વિવિધ લોકમેળાઓ યોજાવાના હોવાથી કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજકો અને તંત્રને ખાસ અપીલ કરવામાં આવી છે કે મેળામાં સ્ટોલ ધારકો પાસેથી ભાડા પેટે થોડા વધુ રૂપિયા લેવામાં આવે તો પણ મેદાનમાં ઠેર-ઠેર પૂરતી સંખ્યામાં ડસ્ટબિન મૂકવાની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવે. શરૂઆતથી જ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો મેળો પૂર્ણ થયા બાદ વિશાળ પ્રમાણમાં કચરો એકઠો કરવાની નોબત ન આવે અને તીર્થસ્થાનો તથા જાહેર મેદાનો સ્વચ્છ રહી શકે. સ્વચ્છતા માત્ર સફાઈ કામદારો કે સ્વયંસેવકોની નહીં પરંતુ મેળાના આયોજકો અને તંત્રની પણ મહત્વપૂર્ણ જવાબદારી છે તેવી લાગણી સાથે સંસ્થાએ નિઃસ્વાર્થ સેવા આપનાર તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular