તહેવારોમાં મીઠાઈ-ફરસાણનું ધૂમ વેચાણ, છતાં મનપાના ફૂડ વિભાગની તપાસ ક્યાં?
મોરબી: રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં મીઠાઈ અને ફરસાણનું વેચાણ મોટા પ્રમાણમાં વધે છે. તહેવારની ભીડનો લાભ લઈ કેટલાક ભેળસેળિયા તત્વો બેફામ ન બને અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ અને સેમ્પલિંગ કરવામાં આવે તે જરૂરી છે. જોકે, મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ, તહેવારો દરમિયાન મોરબીના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ ત્યાં સુધી સઘન ચેકિંગ કરવામાં આવ્યું નથી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કરવામાં આવતા મનપાના ફૂડ વિભાગમાં સ્ટાફની ભારે અછત હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું.
તહેવારના સમયમાં ખાદ્ય ચીજવસ્તુઓની માંગ વધી જતી હોવાથી ભેળસેળ, વાસી ખોરાક અને હલકી ગુણવત્તાની સામગ્રીના વેચાણની શક્યતા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ફૂડ વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવી મીઠાઈ-ફરસાણની દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ તેમજ ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે તેવી લોકોમાં માંગ છે.જો આવું નહી થાય તો વાસી અને ભેળસેળ યુક્ત ખોરાક ખાવા થી લોકો બીમાર થશે તો તેનું જવાબદાર મોરબી મહાનગરપાલિકા અને ફૂડ વિભાગ રહેશે
મોરબી સહયોગ ન્યૂઝ દ્વારા અગાઉ પણ ફૂડ વિભાગની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા ત્યાર બાદ એકલ-દોકલ રેસ્ટોરન્ટમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ માત્ર પ્રસંગોપાત કાર્યવાહી કરવાને બદલે તહેવારો દરમિયાન નિયમિત અને સઘન ચેકિંગ જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.
હવે સવાલ એ છે કે મોરબી મનપાનો ફૂડ વિભાગ તહેવારો બાદ જાગશે કે તહેવાર દરમિયાન જ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરશે? સ્ટાફની અછતને કારણ બનાવી કામગીરી મર્યાદિત રહેશે કે પછી મનપા દ્વારા વધારાની વ્યવસ્થા કરી લોકોના આરોગ્યની સુરક્ષા માટે અસરકારક ચેકિંગ હાથ ધરાશે?