વિશ્વાસ કેળવી રાજકોટ ખાતે રૂ. 60,63,400નું આંગડિયું કરાવ્યા બાદ રકમ ઉપાડી ફોન સ્વીચ ઓફ કર્યાનો આક્ષેપ, બે સામે ગુનો
મોરબી: રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસ કેળવી રૂ. 60,63,400ની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા તથા આંગડિયા પેઢીનો વ્યવસાય કરતા વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી (ઉ.વ. 45)એ આરોપી જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, રહે. શક્તનાળા, મોરબી તથા નિમેષભાઈ આચાર્ય, રહે. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ અગાઉ અવારનવાર ફરિયાદીની આંગડિયા પેઢી મારફતે અન્ય સ્થળે આંગડિયા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેમના મળતીયા માણસો સાથે કથિત કાવતરું રચી ફરિયાદી પાસેથી રાજકોટ ખાતે આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ. 60,63,400નું આંગડિયું કરાવ્યું હતું.
આ રકમ આરોપી નિમેષના આંગડિયા મારફતે ઉપાડી લેવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને ફરિયાદીને રૂ. 60,63,400ની રકમ પરત કે પહોંચાડવામાં આવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.