મોરબીમાં હાલમાં 15 લાખના તોડકાંડ ની ચર્ચાઓ વચ્ચે ચાલી રહી છે તેવામાં મોરબી જિલ્લા એસપી મૂકશે પટેલ નો મોટો વહીવટી નિર્ણય; SOG, સિટી પોલીસ, સાયબર ક્રાઇમ સહિત વિવિધ શાખાના કર્મચારીઓની બદલી અને નવી તૈનાતી
મોરબી જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી માળીયા હાઇવે પર ધ ફર્ન હોટલ નજીક આવેલી એક શ્રોફ પેઢી સાથે સંકળાયેલા ચર્ચિત ₹15 લાખના કથિત તોડકાંડની ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર મામલામાં મોરબી પોલીસના એક PSI કક્ષાના અધિકારી અને એક કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપોની ચર્ચા વચ્ચે હવે જિલ્લા પોલીસ વડાએ એકસાથે 84 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કરતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
જાહેર કરાયેલા આદેશ મુજબ SOGમાં ફરજ બજાવતા UPSI એમ.એસ. અંસારીને જિલ્લા કંટ્રોલ રૂમ 112 જનરક્ષક ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત SOG, મોરબી સિટી-એ, મોરબી સિટી-બી, એ ડિવિઝન, બી ડિવિઝન અને સાયબર ક્રાઇમમાંથી અનેક પોલીસ કર્મચારીઓને કંટ્રોલ રૂમમાં વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. 112 જનરક્ષક વાહનો માટે પણ અલગ-અલગ તૈનાતી કરવામાં આવી છે.
આ ઉપરાંત હળવદ, માળીયા (મીયાણા), ટંકારા, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, AHTU અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનોમાં પણ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં કાયદો-વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવી પોસ્ટિંગ આપવામાં આવી હોવાનું પોલીસ વિભાગના આદેશમાં દર્શાવવામાં આવ્યું છે.