Homeગુજરાતમોરબીમોરબીના આંંદરણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: મધ્યપ્રદેશના બે આરોપીઓ રૂ. 4.53...

મોરબીના આંંદરણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: મધ્યપ્રદેશના બે આરોપીઓ રૂ. 4.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના આંદરણા ગામે બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરનાર મધ્યપ્રદેશની રીઢા ચોરોની ગેંગનો મોરબી ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી રૂ. ૪,૫૩,૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ત્રણ સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

આંદરણા ગામે રહેતા કમલેશભાઇ મેરામણભાઇ બોરાણાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે દરવાજાના નકુચા તોડી ઘૂસણખોરી કરી હતી. કબાટના લોક તોડી સોના-ચાંદીના આભૂષણો, રોકડ રકમ અને ઘડિયાળ મળી કુલ રૂ. ૭,૩૬,૯૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ઘરફોડ ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ LCB પોલીસ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા તથા પરપ્રાંતીય મજૂરો અને અગાઉ ગુનામાં સંકળાયેલા શંકાસ્પદોની ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી.

મોરબી-વાંકાનેર રોડ પર આવેલી ફેક્ટરીઓ સામે ઈંટોના ગડદા બનાવવાનું કામ કરતા પરપ્રાંતીય મજૂરો શંકાના ઘેરામાં આવ્યા હતા. આરોપીઓ દિવસ દરમિયાન ગામડાઓમાં પગપાળા ફરીને બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે તાળા તોડી ચોરી કરતા હોવાની તેમની મોડસ ઓપરેન્ડી (M.O.) બહાર આવી હતી. સઘન પૂછપરછમાં આરોપીઓએ કુલ ૦૫ જણાએ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની એવા સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંગ દેવકા (ઉં.વ. ૩૩) અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકા (ઉં.વ. ૨૬) ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંકળાયેલા અન્ય સાગરીતો અંતરસિંગ મકવાણા, રમેશ કાલુસિંગ દેવકા અને દિલીપ માના અનારે રહે. બધા મધ્યપ્રદેશવાળાને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે.

તેમજ પોલીસે આરોપીઓ પાસેથી સોનાના મંગળસૂત્ર, બુટ્ટી, પેન્ડલ, ચેઇન, વીંટી, ચાંદીના કડા અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૪,૫૩,૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવના પગલે મોરબી જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સુરક્ષિત રીતે બેંક લોકરમાં રાખવી. તેમજ જ્યારે પણ ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે આજુબાજુના પાડોશીઓ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સલાહ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular