મોરબીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કેનાલ ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સામાજિક સંસ્થા “હેન્ડ્સ ઓફ કરુણા” અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાહત કામગીરી અંતર્ગત સિટી એ ડિવિઝન પોલીસની ટીમે પાણીથી પ્રભાવિત વિસ્તારમાં રહેતા નાના બાળકોને નાસ્તો અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો સુધી તૈયાર ભોજન પહોંચાડીને તેમની મદદ કરવામાં આવી હતી.
ભારે વરસાદ વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારોને સમયસર સહાય મળે તે માટે હાથ ધરાયેલી આ સેવા કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. વરસાદી સંકટના સમયમાં મોરબી પોલીસ અને “હેન્ડ્સ ઓફ કરુણા” દ્વારા કરવામાં આવેલો આ માનવતાભર્યો પ્રયાસ અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે રાહતરૂપ સાબિત થયો છે.