મેયરના જ વોર્ડમાં ભૂગર્ભ ગટર ઉભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત; પૂર્વ કોંગ્રેસ આગેવાન રમેશ રબારીએ પાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો.
આજના સમયમાં મોરબી શહેરમાં વરસાદ ન હોવા છતાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ આગેવાન રમેશ બી. રબારી દ્વારા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે મોરબી મહાનગરપાલિકાના મેયરના પોતાના જ વોર્ડ નંબર ૮ ના મેઈન રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. મેયરના વિસ્તારમાં જ આવી હાલત હોય તો સમગ્ર મોરબી શહેરની સ્થિતિ શું હશે તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો છે.
જી.આઈ.ડી.સી. પટેલ કન્યા છાત્રાલય મેઈન રોડ, શનાળા મેઈન રોડ અને શ્રીજી રેસ્ટોરન્ટથી ચેતક પંચર સુધીના વિસ્તારોમાં ગંદુ પાણી ભરાઈ રહેવાથી રાહદારીઓ, સ્કૂલના બાળકો, સીનિયર સિટીઝનો અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત, શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે.
બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૨૨ દિવસમાં રસ્તાઓ પર રૂ. ૧ કરોડની કપચી પાથરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, વી.સી. પરા રોડ, લાતી પ્લોટ, કાલિકા પ્લોટ અને દાવૂદી પ્લોટ જેવા વિસ્તારો હજુ પણ ચાલવા લાયક ન હોવાથી આ ખરીદીમાં મોટા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પાલિકાના પદઅધિકારીઓ કપચી કયા રસ્તાઓ પર પથરાઈ, કયા સ્ટોનમાંથી ખરીદાઈ અને તેનો ભાવ શું હતો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરે તેવી માંગ ઊઠી છે.