મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ડામવા પોલીસ ગમે તેટલા કડક પગલાં ભરે, પરંતુ વ્યાજની માયાજાળમાં ફસાયેલા મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એક યુવકને વ્યાજખોરોએ એવી ભીંસમાં લીધો કે તેણે પોતાની જમીન, મકાન અને પત્નીના સોનાના દાગીના સુધીનું તમામ સ્તરે ગુમાવવું પડ્યું છે. આટલું જ નહીં, મૂળ રકમ કરતાં દસ ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો હજુ પણ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાકટરનો ધંધો કરતા પ્રવિણભાઇ હરખાભાઈ ઉકેડિયા (ઉ.વ.૨૬) એ આરોપી અજયભાઈ રમેશભાઈ અબાસણીયા રહે. રતાવિરડા, બિજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા રહે. લાકડધર તા. વાંકાનેર તથા હિતેશભાઈ મગનભાઈ પટેલ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે
ફરિયાદી લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા હોય મજુરોને ચુકવવા તથા પોતાના ભાઈની સારવાર માટે નાણાની જરૂર પડતા આરોપી અજયભાઈ પાસેથી અલગ અલગ સમયે રૂ. ૩,૦૦,૦૦૦/- ત્રીસ ટકા, પાંત્રીસ ટકા તથા એકસો વીસ ટકાના વ્યાજ દરે વ્યાજે લીધેલ હોય, જે વ્યાજ તથા પેનલ્ટી મુળ રકમમા ઉમેરી ફરિયાદિ પાસે રૂ. ૮,૦૦,૦૦૦/- માંગણી કરતા ફરિયાદિએ કુદરતની બીક રાખી મુળ રકમ લઇ લેવા કહેતા આરોપી અજયભાઈએ ફરિયાદિને છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી ડોકે છરી અડાડી મૃત્યુ ભય ઉભો કરી રૂ. ૫,૦૦, ૦૦૦/- બળજબરીથી કઢાવી લઇ તથા આરોપી અજયભાઈને વ્યાજ પેટે રૂ. ૩૦,૦૦,૦૦૦/- લાખ તથા મુદ્દલ ૨કમ ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી અજયભાઈ એ વ્યાજનુ વ્યાજ ચડાવી હજુ પણ રૂ. ૩,૦૦,૦૦૦/- લેવાના નીકળે છે એવુ કહી આ રકમની પઠાણી ઉઘરાણી કરી ઘર વેચી નાણા ચુકવી આપવા ધાક-ધમકી આપતા હોય, તેમજ આરોપી બિજલભાઈ પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦/- માસીક પાંત્રીસ ટકાના વ્યાજ દરે લીધેલ હોય, આ રકમ પર આશરે ૫,૦૦,૦૦૦/- જેટલું વ્યાજ તથા મુદ્દલ રકમ આપી દીધેલ હોય તેમ છતા વ્યાજનુ વ્યાજ તથા પેનલ્ટી ચડાવી હજીપણ રૂ. ૧,૨૦,૦૦૦/- દેવાના નીકળે છે એવુ ફરિયાદિને કહી આરોપી બિજલભાઈએ ફરીયાદી તથા તેના છોકરાઓને મારી નાખવાની ધમકી આપી મૃત્યુનો ભય બતાવી ડરાવી ધમકાવી બળજબરીથી મો.સા. રજિ.નં- GJ-36 BC-0783 કિ.રૂ. ૯૮,૬૮૧/- નુ હપ્તેથી લેવડાવી આ મો.સા. બળજબરીથી પડાવી લઇ તથા રૂ. ૨૦,૦૦૦/- દેવાના બાકી નીકળે છે એવુ કહી ફરિયાદીના ઘરે જઈ આ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી તેમજ આરોપી હિતેશભાઈએ ફરિયાદિના પત્નીના સોનાના દાગીના આશરે સાડા ત્રણ તોલા જેટલા વજનના બેંકમા ગીરવે પડેલ તે છોડાવવા વગર વ્યાજે રૂ. ૩,૫૬,૦૦૦/નુ ધીરાણ કરી ફરિયાદિએ આ દાગીના છોડાવતા આરોપી હિતેશભાઈએ ફરિયાદીને આ રૂપીયા ઉપર વ્યાજ આપવુ પડશે એવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી મૃત્યુનો ભય બતાવી ડરાવી ધમકાવી ફરિયાદિના પત્નીના સાડા ત્રણ તોલા દાગીના ૫ડાવી લઇ તેમજ ધીરાણની રકમ પર ઉંચુ વ્યાજ ચડાવી રૂ. ૮,૦૦,૦૦૦/- ની માંગણી કરતા હોય, ત્રણેય આરોપીઓએ ધારધીરના લાઈસન્સ વગર ફરિયાદિને નાણાનુ ધીરાણ કરી ઉંચુ વ્યાજ વસુલ કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.