મોરબી શહેરના નાગનાથ શેરી વિસ્તારમાં આવેલા દશાશ્રીમાળી વણિક કગથરા કુટુંબના ખોડિયાર માતાજીના મંદિરમાં થયેલી રૂ. ૫૦,૦૦૦ની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જાગૃત ભક્તોએ વોચ ગોઠવીને ફરી ચોરી કરવા આવેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી: શહેરના નાગનાથ શેરી વિસ્તારમાં આવેલા દશાશ્રીમાળી વણિક કગથરા કુટુંબના ખોડિયાર માતાજીના મંદિરમાં સવારે જ્યારે મંદિરના પૂજારી પ્રફુલભાઈ દવે મંદિર ખોલવા ગયા ત્યારે દાન પેટીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતા પેટીમાંથી અંદાજે રૂ. ૫૦,૦૦૦ની રોકડ રકમ ગાયબ હતી. આ અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. ભક્તોએ ‘ચોર’ પકડવા ગોઠવી ફિલ્મી ઢબે વોચ અને ચોરીની ઘટના બાદ પરિવારના સભ્યો—જતીનભાઈ મહેતા, ભાવિકભાઈ, મહેશભાઈ અને અન્ય યુવાનોએ નક્કી કર્યું હતું કે ચોર ફરીથી મંદિરમાં આવશે જ. આથી તા. ૫ મે થી સતત મંદિરમાં છૂપી રીતે વોચ રાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી ચોરી કરવા આવ્યા અને પકડાઈ ગયા. બે શંકાસ્પદ યુવાનો મંદિરમાં વારંવાર આંટાફેરા કરતા હતા. સાંજે ચારેક વાગ્યે જ્યારે આ બંને શખ્સોએ માતાજી પાસે રાખેલી ૫૦૦ની નોટ ચોરવાનો પ્રયાસ કર્યો અને દાન પેટી ખોલવાની પેરવી કરી, ત્યારે જ વોચમાં બેઠેલા ઋષભભાઈ પારેખ અને જતીનભાઈએ બંને ઋત્વિકભાઈ ઉર્જેશભાઈ જોષી રહે. ગ્રીન ચોક, કડીયા શેરી, મોરબી, તથા વરૂણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથ શેરી, મોરબીવાળાને દબોચી લીધા હતા. અને ભક્તોએ તુરંત જ ૧૧૨ પર કોલ કરી પોલીસને જાણ કરતા મોરબી એ ડિવિઝન પોલીસની વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.