વાંકાનેર: કાયદાના રક્ષક ગણાતા વિસ્તારોમાં હવે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જતો હોય તેમ લાગી રહ્યું છે. વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા જેવી સામાન્ય બાબતે એક બોલેરો ચાલકે આતંક મચાવ્યો હતો. ટોલનાકાના કર્મચારીએ ટેક્સ માંગતા ઉશ્કેરાયેલા શખ્સે ગાળાગાળી કરી, મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મિશરી હોટલ પાછળ રહેતા અને ટોલ પ્લાઝાના મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ એ આરોપી સંજયસિંહ ઝાલા રહે. વઘાસિયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વાહન રજીસ્ટર નંબર જીજે-૧૦-ટીવાય-૦૮૪૭ વાળાના ડ્રાઇવર સંજયસિંહ ઝાલાએ પોતાના હવાલા વાળુ એલ.એમ.વી કોર્મશીયલ વાહન રજીસ્ટર નંબર જીજે-૧૦ -ટીવાય-૦૮૪૭વાળુ વઘાસીયા ટોલપ્લાઝા ખાતે થી ટોલ ભર્યા વગર પસાર કરી ટોલબુથના બુમબેરીકેટને નુકશાન કરી ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી જેમફાવે તેમ ગાળો આપી હાથ વડે ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.