ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ ‘ડ્રાય ડે’ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, મતદાન પૂર્વેના ૪૮ કલાક એટલે કે તા. ૨૪/૦૪/૨૦૨૬ના સાંજના ૦૬:૦૦ કલાકથી તા. ૨૬/૦૪/૨૦૨૬ના સાંજના ૦૬:૦૦ કલાક સુધી (મતદાન પૂર્ણ થતા સુધી) તેમજ તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરીના આખા દિવસે સમગ્ર જિલ્લામાં ‘ડ્રાય ડે’ અમલી રહેશે. જો કોઈ સંજોગોમાં પુનઃ મતદાન યોજાય, તો તે દિવસે પણ આ પ્રતિબંધ લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં આવેલી ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈપણ લાયસન્સ ધરાવતી સંસ્થાઓ દારૂનું વેચાણ કરી શકશે નહીં કે પીરસી શકશે નહીં. વધુમાં, વ્યક્તિગત રીતે દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા માટે પરમિટ ધરાવતી વ્યક્તિઓ પર પણ આ પ્રતિબંધ સમાન રીતે લાગુ પડશે.
જિલ્લા મેજિસ્ટ્રેટશના આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને દારૂ કે અન્ય નશાયુક્ત પદાર્થોનું પ્રલોભન આપી પ્રભાવિત થતા અટકાવવાનો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પ્રોહિબીશન એક્ટ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.