મનપાની SWIM શાખાની કામગીરી સામે સવાલો, 65 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ₹53,604નો દંડ વસૂલાયો, પરંતુ રોજ 200થી 500 કિલો પ્લાસ્ટિક વેચતા મોટા વેપારીઓ સુધી કાર્યવાહી કેમ નહીં?
મોરબી શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના કડક અમલીકરણના દાવા વચ્ચે હવે મનપાની કામગીરી સામે જ સવાલો ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWIM) શાખા હેઠળ કાર્યરત સ્વચ્છતા માર્શલોની ટીમ દ્વારા શહેરના તમામ 1થી 13 વોર્ડમાં ડ્રાઈવ હાથ ધરી 65 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી નિયમભંગ કરનારાઓ પાસેથી કુલ ₹53,604ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
પરંતુ કાર્યવાહીનો આ આંકડો સામે આવ્યા બાદ શહેરમાં ચર્ચા છે કે મનપાની ટીમ ખરેખર મોટા પ્લાસ્ટિક વેપારીઓ સુધી પહોંચી રહી છે કે પછી માત્ર નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળાઓ સુધી જ કાર્યવાહી સીમિત છે? મોટા વેપારીઓ સામે કાર્યવાહી ક્યારે?
સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે મોરબીના કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો વેપાર થતો હોવાની માહિતી મનપાના જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી હોવા છતાં ત્યાં સઘન તપાસ કે દંડની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? ખાસ કરીને નવાડેલા રોડ વિસ્તારમાં રોજના 200થી 500 કિલો જેટલા પ્લાસ્ટિક બેગના વેચાણ અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.
જો આ પ્રકારની માહિતી મનપા સુધી પહોંચી રહી હોય તો તેની હકીકત ચકાસવા માટે સ્થળ તપાસ, જથ્થો જપ્તી અને નિયમ મુજબની દંડાત્મક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? આ સવાલ હવે નાગરિકોમાં ઉઠી રહ્યો છે.
નાના વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપીને દંડ વસૂલવો સરળ છે, પરંતુ મોટા જથ્થામાં પ્લાસ્ટિકનો વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવી એટલી જ કડક છે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
મનપા દ્વારા 65 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹53,604નો દંડ વસૂલવામાં આવ્યો છે, પરંતુ શહેરમાં જો મોટા પાયે પ્લાસ્ટિકનો વેપાર હજુ પણ ચાલુ હોવાની ફરિયાદો સાચી હોય તો માત્ર નાના જથ્થા પરની કાર્યવાહીથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો હેતુ કેટલો સિદ્ધ થશે તે પણ મોટો સવાલ છે.
મોરબીના નવાડેલા રોડ ઉપર રોજ આજે પણ 200 થી 500 કિલો પ્લાસ્ટિક ની બેગનું આજે પણ છાના ખૂણે વેચાણ થઈ રહ્યું છે. જે રીતે ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી છે પરતું હોમ ડિલિવરી મળી જાય છે તેમ પ્લેટિક બેગ નો પણ આવું જ છે વપરાશ પર પ્રતિબંધ તો છે પણ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે જોઈએ એટલી પ્લેટિક થેલી સહિત ના પ્રતિબંધિત બેગ ની હોમ ડિલિવરી આશાની થી મળી જાય છે
મનપાએ હવે માત્ર નાના વેપારીઓ સામે કાર્યવાહી કરીને કામગીરીના આંકડા જાહેર કરવા કરતાં મોટા જથ્થામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા હોવાની ફરિયાદો ધરાવતા સ્થળોની પણ નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે. જો ફરિયાદો ખોટી હોય તો તે પણ સ્પષ્ટ થવું જોઈએ અને જો નિયમભંગ મળી આવે તો નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.
નાગરિકોમાં હવે સીધી માંગ ઉઠી રહી છે કે મનપા ‘નાની માછલી’ પકડીને કામગીરીની વાહવાહી મેળવવાને બદલે ‘મોટા મગરમચ્છો’ સુધી પહોંચે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના મૂળ સ્ત્રોત પર કાર્યવાહી કરે. સાથે જ કોઈ અધિકારી કે કર્મચારી સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપ હોય તો તેના પુરાવા સાથે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેથી મનપાની પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ માત્ર દંડ વસૂલવાની કામગીરી બનીને ન રહી જાય.