માળિયા મીયાણા; કચ્છ-મોરબી હાઇવે પર માળિયા મીયાણા પોલીસના નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પશુઓ પ્રત્યેની નિષ્ઠુરતાનો પર્દાફાશ થયો છે, જ્યાં મૌન પશુઓને કુરતાપૂર્વક ગોંધી રાખનાર તસ્કરો પોલીસની જાળમાં સપડાયા છે.
મોરબી માળિયા (મી.) પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિરાજસિંહ શક્તિસિંહ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કચ્છ-મોરબી રોડ પર આવેલ વિશાળા હોટલ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ આઈસર ટ્રક (GJ-09Z-9365) ને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકના ઠાઠામાં ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ સગવડ વગર અત્યંત દયનીય હાલતમાં ગીચોગીચ ભરેલા ૭૧ ઘેટાં મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૭૧,૦૦૦ ની કિંમતના ઘેટાં અને રૂ. ૭,૦૦,૦૦૦ ની ટ્રક મળી કુલ રૂ. ૭,૭૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઘેટાંઓને પાંજરાપોળ મોકલવાની કામગીરી કરી હતી.
કોઈપણ આધાર પુરાવા કે પરમિટ વગર કુરતાપૂર્વક પશુઓની હેરફેર કરવા બદલ પોલીસે પશુ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં ટ્રક ચાલક ફિરોજભાઈ આદમભાઈ ઓડ (રહે. રતનપુર, માતર, ખેડા), આરીફભાઈ ફિરોજભાઈ ઓડ (રહે. રતનપુર, માતર, ખેડા), મેરાભાઈ હમીરભાઈ ખાંભલા (રહે. લોડાઈ, ભુજ, કચ્છ) અને યુનુસભાઈ આદમભાઈ ઓડ (રહે. ખેડા કેમ્પ, ખેડા) નો સમાવેશ થાય છે.