સરકારી ટેન્ડરની સિક્યુરિટી પેટે રૂ.5.91 લાખની બનાવટી બેંક FD રજૂ કરી હોવાનો આરોપ
મોરબી વન વિભાગની સરકારી ટેન્ડર પ્રક્રિયામાં બોગસ દસ્તાવેજ અને બનાવટી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વન વિભાગના કર્મચારી દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વન વિભાગમાં નોકરી કરતા કરશનભાઈ ગોવાભાઈ ચાવડાએ ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠી ગામના ગોવિંદભાઈ નારણભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીને વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના આણંદપર બાઘી વિડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલનું કામકાજ કરવા માટેનું સરકારી ટેન્ડર મંજૂર થયું હતું.
ટેન્ડરની સિક્યુરિટી ડિપોઝિટ પેટે આરોપીએ તાલાળા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની રૂ.5,91,517ની ખોટી અને બનાવટી ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ તૈયાર કરી હતી. આ બનાવટી FDને અસલી તરીકે રજૂ કરી મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષકની કચેરીમાં જમા કરાવવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
સરકારી ટેન્ડર પ્રક્રિયામાં રજૂ કરાયેલા દસ્તાવેજની ખરાઈ અંગે શંકા ઊભી થતાં સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. વન વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ગોવિંદભાઈ બારડ વિરુદ્ધ ગુનો નોંધી બનાવટી દસ્તાવેજ તૈયાર કરવા અને તેનો સાચા તરીકે ઉપયોગ કરવા સહિતના આક્ષેપોની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બોગસ FD કેવી રીતે તૈયાર કરવામાં આવી અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.