મોરબીના ખોખરા હનુમાન રોડ પાસે મોડી રાત્રે જમીને પરત ફરી રહેલા શ્રમિકોને આંતરીને લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીળા રંગના એક્સેસ સ્કૂટર પર આવેલા ત્રણ બદમાશોએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓ શ્રમિકો પાસેથી ૨ મોબાઈલ ફોન અને રોકડા બળજબરીથી પડાવીને નાસી છૂટ્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના મીઠા વીચારણ ગામના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર આવેલ પોલો સર્કલ પેપરમીલની ઓરડીમાં રહેતા રાહુલભાઈ વેલાભાઈ વાલીડીયા (ઉ.વ.૧૮) એ આરોપી અજાણ્ય ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉમરના અજાણ્યા ત્રણેક ઇસમોએ સુઝુકી એકસેસ કંપનીના પીળા રંગના મોટરસાયકલમાં આવી ફરીયાદી તથા રાણાભાઈ, તથા સુરજભાઈને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભય બતાવી બળજબરી પુર્વક ધમકાવી ફરીયાદી તથા સાથી રાણાભાઇ પાસેથી કુલ મોબાઇલ ફોન નંગ-૦૨ અંદાજે કી.રૂ. ૧૦,૦૦૦/- તથા ફરીયાદીના ખીસ્સામાંથી રોકડા રૂપીયા ૧૦૦૦/- બળજબરીથી કાઢી લઇ જઈ ત્રણેય આરોપીઓ હસી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.