તહેવારો અને લોકમેળાની ભીડભાડ વચ્ચે મોરબીમાંથી ગુમ થયેલા ચાર માસૂમ બાળકોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં સહીસલામત શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરી છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી અલગ-અલગ ટીમો બનાવી પોલીસે હાથ ધરેલી ત્વરિત તપાસને કારણે ચારેય બાળકોને હેમખેમ શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ મનીભાઇ સાથળીયા (ઉ.વ.૫૫) રહે.ઘુટુ રોડ આઇ.ટી.આઇ સામે પાણીના ટાંકા પાસે ઝુપડામાં મોરબી-૨ વાળા પો.સ્ટે. આવી જાહેરાત કરેલ કે, પોતાના સગીર વયના બે દિકરી તથા એક દિકરો તથા તેની બાજુમા રહેતા તેના કૌટુબીક બેન સંગીતાબેન નાઓની સગીર વયની દિકરી એમ કુલ ૦૪ બાળકો રમવા જવાનુ કહિ ઘરેથી નિકળેલ અને પાછા ઘરે આવેલ ન હોય અને ગુમ થયેલની જાહેરાત કરતા તુરંત જ બનાવની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ત્રણ ટીમ બનાવી ટીમ દ્રારા અલગ અલગ જગ્યાના સી.સી.ટીવી. ફુટેઝ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલ બાળકોની તપાસ કરતા બાળકો મહેન્દ્રનગર ચોકડીથી રીક્ષામા બેસીને જુના બસ સ્ટેન્ડ તરફ જતા સી.સી.ટી.વી. ફુટેજમા જોવામા આવતા તે રૂટ મુજબના સી.સી.ટીવી ફુટેજ જોઇ સહિસલામત હાલતમાં બાળકોને શોધી કાઢી તેઓના માતા પિતાને સોંપવામાં આવેલ છે.