મોરબી શહેરમાંથી ફરી એકવાર લગ્નના નામે છેતરપિંડી કરતી ‘લુટેરી દુલ્હન’ સક્રિય થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરાવી આપવાના બહાને એક લાખ રૂપિયા પડાવી લીધા બાદ, નવવધૂ લગ્નના માત્ર આઠ જ દિવસમાં ઘરમાં કોઈને કહ્યા વગર રાતોરાત રફુચક્કર થઈ ગઈ હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલી સિંધી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ મુળચંદભાઈ અડવાણી (ઉ.વ.૪૭) એ આરોપી પ્રિતિબેન કેવલરામ વાઘવાણી રહે. એ-૨૦૨, રોયલ રીજોઇસ-૨, શીપ બંગ લો, બીલાસીયા ચોકડી પાસે, અમદાવાદ તથા નિશા રામ ચંદ્ર હેમલાની રહે. ૨-સા-૧૨, ફસ્ટ પુલીયા, ચોપાસની હાઉ સીંગ બોર્ડ, જોધપુર (રાજસ્થાન) હાલ-અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નં.-( ૧) પ્રિતીબેન વાઘવાણી સીંધી રહે. અમદાવાદ વાળીએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી રૂ.-૧,૦૦,૦૦૦/- લઈ આરોપી નિશાબેન હેમલાની સાથે ફરીયાદીના લગ્ન કરાવી આરોપી નિશા ફરીયાદીના ઘરે માત્ર આઠ-નવ દિવસ રોકાયા બાદ કોઈને કહ્યા વગર તેની રીતે જતી રહેલ હોય આમ બંને આરોપીઓએ એક-બીજા સાથે મળી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.