સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રલાખા ગામે સરકારી ખરાબાની જમીનમાંથી ચાલી રહેલી ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન અંદાજે 370 ટન કોલસા સહિત કુલ રૂ.23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપુર્વ પટેલના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને તેમની ટીમે હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીને આધારે ચિત્રલાખા ગામે દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન સ્થળ પરથી 09 સુંઢકેસીંગ, 03 ટ્રેક્ટર, 03 કોમ્પ્રેસર, 01 જનરેટર, 03 મોટરસાયકલ અને 370 ટન કોલસો મળી આવ્યો હતો. ઉપરાંત સ્થળ પર અંદાજે 13 ખોદેલા ખાડા પણ મળી આવ્યા હતા, જે ગેરકાયદે ખનનનો પુરાવો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી સાયલા પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુદ્દામાલ સોંપી દીધો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.