સામાન્ય જનતા અને બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલી ત્રણ દિવસની બેંક હડતાળ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં બેંક કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ તેમજ અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કામગીરી અને શનિવાર-રવિવાર રજાના મુદ્દે ચર્ચા થઈ હતી. પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ અંગે ઉકેલ લાવવા માટે IBA અને UFBUના પ્રતિનિધિઓની ઉચ્ચસ્તરીય સંયુક્ત સમિતિ રચવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ બેંક ગ્રાહકો અને અન્ય હિતધારકો સાથે પણ ચર્ચા કરશે.
આ ઉપરાંત Scale-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટેની Performance Linked Incentive (PLI) યોજના તથા 8 માર્ચ, 2024ની બેઠકમાં નોંધાયેલા અન્ય પડતર મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. PLI યોજનામાં જરૂરી ફેરફારો સાથે સરકારને નવો પ્રસ્તાવ મોકલવા અને બાકી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જોકે, 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ સંપૂર્ણપણે રદ કરવામાં આવી નથી, પરંતુ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. UFBUએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ અને બેઠકમાં થયેલા કરારોનો સમયસર અમલ નહીં થાય તો 26 ઓક્ટોબરથી દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી શકે છે. હાલ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંકોનું કામકાજ ચાલુ રહેવાના કારણે ગ્રાહકો અને વેપારીઓને મોટી રાહત મળી છે.