ટંકારા; ઓનલાઇન કુરિયરની ટ્રેકિંગ વિગત શોધતી વખતે સહેજ પણ અજાણ રહેવું કેટલું ભારે પડી શકે છે, તેનો તાજો કિસ્સો સામે આવ્યો છે. DTDC કુરિયરના નામે ગૂગલ પરથી મેળવેલા ઠગ કસ્ટમર કેર નંબરે રૂ. 5 ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે મોકલેલી એક જ લિંકથી ટંકારાના રહીશના બેંક એકાઉન્ટમાંથી ક્ષણવારમાં રૂ. 4.42 લાખની રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરીયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા પરસોત્તમભાઈ વશરામભાઇ મકવાણા (ઉ.વ.૪૬) એ બે એકાઉન્ટ ધારક આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ની Essae ડીજીટ્રોન્સ પ્રા.લી કંપનીનુ UPS ખરાબ થઇ જતા ઉપરોક્ત કંપનીએ UPS ગાંધીધામ ઓફીસે DTDC કુરીયર માધ્યમથી મંગાવેલ જે દસ દિવસ સુધી ડીલેવરી ન મળતા ફરીયાદીએ DTDC કુરીયરનો ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવી કોલ કરતા આરોપીએ આપેલ લીંકમાં ફરીયાદિએ કંપનીનુ એડ્રેસ તથા પીનકોડ ઓનલાઇન સબમીટ કરી રૂ. ૫૫નુ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા ફરીયાદિના એકસીસ બેંક ખાતામાંથી આરોપીએ FEDERAL BANK એકાઉન્ટમાં કુલ રૂ.૪,૪૨,૦૦૫.૯૦/- RTGS તથા IMPS ટ્રાન્જેક્શનથી ઓનલાઇન મેળવી લઇ ફરીયાદીના નાણા આજદી ન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.