મોરબી: મોરબીના રામધન આશ્રમ ખાતે ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સવારે યજ્ઞ, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઋષિ પંચમ નિમિત્તે બહેનો માટે સ્નાન તથા ફરાળની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ઉત્સવ દરમિયાન આયુર્વેદિક ડોક્ટર એન.જે. કોરડિયાના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આંખોની તપાસ સાથે નેત્રબિંદુના ટીપાં, હરસની મલમ તથા દુખાવાની ટ્યુબ સહિતની જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. રાત્રિના સમયે મહામંડલેશ્વર શ્રી રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં સત્સંગ, ભજન અને સંતવાણીનો પાટ કાર્યક્રમ યોજાતા ભક્તિમય માહોલ છવાયો હતો.
જલઝીલણી અગિયારસ નિમિત્તે વિદ્યુતનગરના ભક્તો પણ રામધન આશ્રમ ખાતે પધાર્યા હતા અને ઠાકોરજીને સ્નાન કરાવવાની ધાર્મિક વિધિ સાથે રાસની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અંગેની માહિતી મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવી છે.